તા. ૨૨/૧૧/૨૧, સોમવાર ની સવાર હતી, લગભગ ૧૦:૩૦ નો સમય હશે. એક ઇન્ટર્ન ડોક્ટર તરીકે હું સિવિલ હોસ્પિટલ માં જનરલ ઓપીડી માં બેસી મારી યથાશક્તિ પ્રમાણે દર્દીઓ ને તપાસી એમના કેસપેપર માં દવા લખી રહ્યો હતો . દર વખતની જેમ આજે પણ સોમવાર હોવાના કારણે ઓપીડી માં જાણે જર્જરિત પુલ તુટી જાય ને નદી નો પ્રવાહ ગામ તરફ ધસી જાય એમ દર્દીઓ નો ધસારો હતો. ભીડ વધતી જતી હતી. હું જેમ બને એમ જલ્દી દર્દી તપાસી રહ્યો હતો .
એવા માં દર્દીઓ ની લાંબી કતાર પાછળ, ચહેરા પર સમય એ ઉઝરડા આપ્યા હોય એમ કરચલી ઓ, પાનખર માં પાંદડા ખરી જાય પછી વૃક્ષ ની શાખાઓ પર જેમ રહ્યા સહ્યા પાંદડા હોય એવા ભૂખરા વાળ, એક દમ ઝીણી સફેદ મૂછો, આછા રાખોડી રંગનો જૂનો શર્ટ, જેનું ઉપર નું બટન જાણે હમણાં ખરી પડશે એવું જમીન સામે તાકી રહ્યું હતું કે પછી મને, એ જ ના સમજાયું . આવો દેખાવ વાળા એક લગભગ ૬૫-૬૬ વય ના એક વડીલ ઊભા હતા . એમના ચહેરા ના ભાવ સ્પષ્ટ કળી શકાતા હતા. ચહેરા પર વિહવળતા, અધીરાઈ ને ગભરામણ ના મિશ્રભાવ હતા.
આખરે એમની પ્રતીક્ષા ની પરિક્ષા નો અંત આવ્યો . એમનો વારો આવ્યો. મારા ગળા માં રહેલું સ્ટેથોસ્કોપ જાણે એમના મન માં સંતોષ ના ભાવ જગાવતું હોય એમ એ મારી સામે ૪-૫ સેકંડ તાકી રહ્યા. મે જ સામે થી પૂછ્યું કે દાદા શું થયું છે ? એમણે પળભર ની વાર કર્યા વગર કહ્યું કે હું સાઈકલ પર છાપુ નાખવા જતો હતો ત્યારે સવારે સોસાયટી ના નાકે મને એક કૂતરુ કરડ્યું છે. મારા માટે તો આ કંઈ નવાઈ પમાડે એવી વાત નહોતી. કારણકે આવા રોજ ૧૦-૧૨ દર્દીઓ આવતા હોય છે. પણ જેને જાણકારી હોય છે એ લોકો સીધા ઇમરજન્સી વિભાગ માં જતા હોય છે. કદાચ આ દાદા ને કહેવા વાળું કોઈ મળ્યું નહી હોય. એટલે તરત એમનો ધા જોઈને એમના કેસપેપરમાં ગાઇડલાઈન મુજબ સિડ્યુલ લખીને ધનુર અને હડકવા ની રસી નું ઇન્જેક્શન લખી આપ્યું ને કહ્યું કે ૧ નંબર માં જતા રહો ત્યાં તમને ઇન્જેક્શન આપી દેવાશે .
બસ એના પછી તો એ દાદા ની આંખો માં અમી ઉભરાતું હોય એમ સંતોષ ના આંસુ છલકી આવ્યા.મારા મને તો આ બઉ જ સામાન્ય બાબત હતી, પણ કેમ જાણે કેમ કોઈ મોટો ઉપકાર કર્યો હોય એમના પર એમ એ મને જોઈને મારા માથે હાથ મૂકીને બોલ્યા " ભગવાન તમારું ભલું કરે, ડોક્ટર !! ”. આ શબ્દો ખાલી પોકળ શબ્દો ના હતા એના પાછળ એક વ્યક્તિ ની સાચી ભાવના છૂપાયેલી હતી. જે મારા હૈયા ને સ્પર્શી ગઈ, ને એક ક્ષણ માટે મારે મન આ કોઈ મોટા એવોર્ડ મેળવવા થી ઓછી વાત નહોતી.
ત્યારે ખરેખર મને એ ભાન થયું કે આપણે મન તબીબી સારવાર એક વ્યવસાય હોય, But it's a Divine profession in true sense !! આ એક ભક્તિમાર્ગ જ છે !
- Dr.Divyang Kapadia
Post Intern.

👌👌👌
ReplyDelete