Eklo Jane Re
- Dr. Sharad Thakar
"जोदी तोर डाक सुने केउ ना आसे
तोबे एकला चलो रे…"
ગુરુ રવીન્દ્રનાથ ટાગોર દ્વારા નિર્મિત આ કાવ્યનો સારાંશ છે કે "જો તારી હાકલ સાંભળી તારી સાથે રસ્તો ખેડવા કોઈ તૈયાર ના થાય, તો તું એકલો જાને રે…"
પરંતુ વાસ્તવિક જીવનમાં જૂજ લોકો રહ્યા છે, જે સાચે આને સાચું સાબિત કરી શક્યા હોય. જે કરી શક્યા, તેઓ અમર થઈ ગયા, જેમ કે ગાંધી કે બોઝ. આ ટૂંકી યાદીમાં શામિલ છે આ પુસ્તકના મહાનાયક: પદ્મ પુરસ્કારથી સન્માનિત સ્વ. ડૉ એચ એલ ત્રિવેદી. આ લેખના મોટાભાગના વાચકો તબીબી ક્ષેત્રે જોડાયેલા હશે, છતાં અફસોસ સાથે કહેવું પડે છે કે ત્રિવેદી સાહેબના નામથી ઘણાં અજાણ છે. ત્રિવેદી સાહેબનું ઋણ ગુજરાતની પ્રજા ઉપર ત્યાં સુધી રહેશે, જ્યાં સુધી અમદાવાદની ધરતી ઉપર તેમનું સ્વપ્ન સંતાન, 'કિડની ઇન્સ્ટિટ્યૂટ' અડીખમ ઉભી રહેશે.
આવા એક મજબૂત મનોબળના વ્યક્તિનું જીવન ચિત્રણ એટલે પુસ્તક: 'એકલો જાને રે'. આ પુસ્તકના લેખક છે ડૉ.શરદ ઠાકર, જે આધુનિક ગુજરાતી સાહિત્યમાં એક આગવું સ્થાન ધરાવે છે. વ્યવસાયે ગાયનેકોલોજિસ્ટ છે, અને પસંદગીથી લેખક છે. તેમની ન્યુઝપેપર કોલમ, 'ડૉક્ટર ની ડાયરી' તથા 'રણમાં ખીલ્યું ગુલાબ' આશરે છેલ્લા ૨૫ વર્ષોથી ગુજરાતી વાચકો નો દિવસ મધુર બનાવતી રહી છે.
પુસ્તકની શરૂઆત એક નિમ્ન ઘટના સાથે થાય છે, જેનાથી આગળ જતા ત્રિવેદી સાહેબનાં જીવનમાં બહુ મોટો વળાંક આવે છે. પછી આપણે ફ્લેશબેક માં જઈએ છે જ્યાં આપણને ત્રિવેદી સાહેબના જન્મ, બાળપણ તથા યુવાવસ્થા વિશે જાણવા મળે છે. રસપ્રદ વાત એ છે, કે તેમની કુંડળીમાં ઉત્તમ 'ગજકેસરી' યોગ હોવા છતાં, જીવનમાં કશું જ તેમને અથાગ મહેનત તથા સંઘર્ષ વગર નથી મળ્યું.
૧૯૬૦ નાં દશકમાં, જ્યારે કોઈ સુખી - અમીર વ્યક્તિ માટે પણ વિદેશ જવું એક સ્વપ્ન હતું, ત્યારે આપણાં ડૉકટર સાહેબ અમેરિકા જાય છે! અને ત્યાં ફક્ત માખી નથી મારતાં, પોતાની આવડત, બુદ્ધિમતા અને કૌશલથી વિશ્વના શ્રેષ્ઠ નેફ્રોલોજિસ્ટ બને છે, અને અન્ય રોગોના નિષ્ણાંતો સાથે કામ કરવાનો લ્હાવો મેળવે છે.
પરંતુ, શું તેમનાં માટે અમેરિકા જવું એટલું સહેલું હતું? જવાબ માટે, પુસ્તકનો એક અંશ હું અહી પ્રસ્તુત કરવા ઈચ્છીશ:
"....તે જમાનામાં દુનિયાભરના તેજસ્વી યુવાનો માટે ‘ડ્રીમ ડેસ્ટિનેશન' એક જ હતું : અમેરિકા.
યુરોપ, એશિયા અને આફ્રિકા તથા ન્યૂઝીલેન્ડ, ઑસ્ટ્રેલિયાના મહત્ત્વાકાંક્ષી ગ્રેજ્યુએટ્સ યેન કેન પ્રકારેણ પહોંચીને ત્યાં પોતાની કારકિર્દી ઘડવાનાં સ્વપ્નો સેવતા રહેતા હતા. એમાં સૌથી મોટી સંખ્યા ડૉક્ટરોની રહેતી હતી.
અમેરિકાએ વિદેશી ડૉક્ટરોનું સ્તર ચકાસવા માટે એક ખાસ કસોટીનું આયોજન વિચાર્યું હતું. બે પેપર્સ થિયરીના અને એક મૌખિક કસોટી; એમાંથી જે પાસ થાય તેને જ અમેરિકામાં પ્રવેશવાની તક મળે. આ માટે જગતભરના દેશોમાં એક-એક પરીક્ષા કેન્દ્ર ખોલવામાં આવ્યું હતું. ભારતમાં આવું કેન્દ્ર મુંબઈ ખાતે રાખવામાં આવેલું હતું.
આ પરીક્ષાનું નામ રાખવામાં આવ્યું હતું: ઈ.સી.એફ.એમ.જી.
એ પરીક્ષા ખૂબ જ અઘરી ગણાતી હતી. એનાં બે કારણો હતાં. એક તો એનું પાર્સિંગ સ્ટાન્ડર્ડ પાંત્રીસ કે પચાસ ટકા નહીં, પણ પંચોતેર ટકા માર્ક્સ નિર્ધારિત કરવામાં આવ્યું હતું. જો કોઈને ચુંમોતેર ટકા માર્ક્સ આવે તો તે નપાસ ગણાય.
બીજું કારણ તો ખૂબ જ વજૂદવાળું હતું. મૌખિક કસોટીમાં ભારતીય ડૉક્ટર સામે અમેરિકન છોકરીઓને ઊભી કરી દેવામાં આવતી હતી. આ છોકરીઓ અમેરિકન ઢબે અંગ્રેજીમાં પ્રશ્નો પૂછે અને ભારતીય ડૉક્ટરે એના જવાબો આપવા પડે. આ બેવડો માર હતો. એક તો અમેરિકન ઉચ્ચારો સમજવા પડે અને વધુમાં જો પ્રશ્ન સમજાય તો એનો સાચો ઉત્તર આપવો પડે. મૂળભૂત રીતે આ પરીક્ષાને ‘લેંગ્વેજ ટેસ્ટ’ જ ગણી શકાય.
ભલભલા શહેરી નબીરાઓ આ મૌખિક પરીક્ષામાં વગર સાબુએ ધોવાઈ જતા હતા. ડૉ. ત્રિવેદી તો સૌરાષ્ટ્રની ગામઠી હાઈસ્કૂલમાં અંગ્રેજી ભણીને ગયા હતા.
વિલ્સન કૉલેજમાં પરીક્ષા આપવા માટે ઊમટી પડેલા હજારો વિદ્યાર્થીઓ સૂટ-બૂટ ચડાવીને, પોતાના પિતાશ્રીની માલિકીની કારમાં અથવા ભાડાની ટૅક્સીમાં બેસીને ફર્રાટેદાર કોન્વેટિયું ઇંગ્લિશ સાથે લઈને પધાર્યા હતા.
એની સામે ચરાડવા ગામનો ડૉ. હરું ત્રિવેદી સિટી બસમાં બેસીને આવ્યો હતો, એણે સાદું ખાદીનું શર્ટ અને સફેદ કરચલીવાળો લેંઘો ધારણ કર્યો હતો, એના પગમાં ત્રીસ પૈસાના સ્લીપર્સ હતા.
આ દૃશ્યમાં વિરોધાભાસ જ એવો પ્રબળ હતો કે, ગરીબ યુવાનના હાંજા ગગડી જાય, પણ ડૉ. ત્રિવેદી પૂરેપૂરા શાંત અને સ્વસ્થ હતા. કારણ ? એમને ખબર હતી કે, પરીક્ષા લેવા માટે બેઠેલા અમેરિકનો એ નથી જોવાના કે પરીક્ષાર્થીએ શું પહેર્યું છે ! કસોટી બહારની નથી થવાની, પણ અંદરની થવાની છે.
આ એક વાતની તો ડૉ. ત્રિવેદીને ધરપત હતી. એની ખોપરીની અંદર જે ભરેલું હતું એવું ‘સોફ્ટવેર’ તો ભગવાને પરીક્ષા લેનારાઓની ખોપરીમાં પણ મૂક્યું ન હતું! એક તેજસ્વી યોદ્ધો બુદ્ધિનું શસ્ત્ર અને આત્મવિશ્વાસનું બખ્તર ધારણ કરીને સ્પર્ધાના સમરાંગણમાં ઊતરવા માટે સજ્જ થઈને આવ્યો હતો."
આજનાં જમાનામાં પરદેશમાં વસવાટ કરતો કોઈ ભારતીય, જે ત્યાંની ૯૯% વસ્તી કરતાં વધારે ધનવાન, વધારે શ્રીમંત અને વધારે સુખી હોય, એ એક ઝાટકે બધું ત્યજીને દેશ પરત ફરે તો તેને તમે ગાંડો ગણો કે નહિ?
ડૉ ત્રિવેદીનો કેનેડાના હેમિલ્ટન શહેરના સૌથી શ્રીમંત વ્યક્તિઓ માં સમાવેશ થતો હતો. શહેરના સૌથી 'પૉશ' વિસ્તારમાં સૌથી સુંદર બંગલો, ખાધે ખૂટે નહીં એટલું ધન, સહકર્મીઓને 'પાર્ટી થ્રો' કરે ત્યારે જગતની સૌથી મોંઘી દારૂની એકસાથે ૩૦-૩૦ બોટલ નો ખડકલો કરી શકવાની ક્ષમતા, બાળપણ ને જુવાની એક જોડ કપડામાં કાઢીને, કેનેડામાં એકસાથે ૩૨ શર્ટ ખરીદી તેનું પેમેન્ટ 'કેશ' માં કરી શકનાર ડૉ ત્રિવેદી અચાનકથી બધું ત્યજીને ભારત પરત ફરે ત્યારે સાહજિક સવાલ એક જ છે: કેમ?
જવાબ છે: દેશપ્રેમ.
પુસ્તકની શરૂઆતમાં જે જૂજ ઘટના ઘટે છે, તેના લીધે ડૉ ત્રિવેદીને કિડનીના રોગોથી પીડાતી ભારતની પ્રજાનો વિચાર આવે છે, ને સ્ફુરે છે એક સંકલ્પ: ગુજરાતમાં વિશ્વકક્ષાની કિડની ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના.
આ પુસ્તકમાં પાને-પાને સંઘર્ષ અંકારેલો છે. વાક્યે-વાક્યે નિરાશા, નિષ્ફળતા ને મહેનત લખાયેલી છે. જેમ અમૃત મેળવવાં શિવજીને વિષઘૂંટ લેવું પડ્યું હતું, તેમ ગુજરાતના આ નીલકંઠને પણ નિસ્વાર્થ સમાજસેવા કરવાં માટે પણ કેટલાં 'setbacks' સહન કરવા પડ્યા હતાં, આ પુસ્તક તેનું સાક્ષી છે. આ બસ એક આત્મકથા નથી, આ પુસ્તક એક શૌર્યગાથા છે. અને એક એવા સમયમાં, જ્યારે મેડિકલ સ્ટુડન્ટ્સ પરદેશની લાઇફસ્ટાઇલથી અંજાઈને USMLE અને PLAB આપીને ભારતમાંથી છટકવાની તૈયારીઓ કરે છે, ત્યારે આ પુસ્તક દેશસેવાનું ખરું ઉદાહરણ છે. સ્વર્ગમાં બિરાજમાન ડૉ ત્રિવેદીને જો પૂછવામાં આવે કે શું તેમને ભારત પરત ફરવાનો અફસોસ છે, તો તેમનાં જવાબમાં હશે કિડનીની બીમારીથી પીડાતો દરેક દર્દી જેનો જીવ આ કિડની ઇન્સ્ટિટ્યૂટ નાં કારણે બચ્યો છે.
આ પુસ્તકમાં ફક્ત મુશ્કેલીઓ નથી લખેલી. ડૉ ત્રિવેદી સાહેબની નીડરતા, તેમની હોશિયારી, તેમનું કૌશલ, કામ કરવાની ધગશ, સૌમ્ય સ્વભાવ અને બહારના દેશમાં વાપરેલ ચપળતા ને ભારતીય 'જુગાડ' નાં કિસ્સાઓથી ભરપૂર છે આ પુસ્તક.
તો મારા સહપાઠીઓ, ભલે અભ્યાસનાં જે પણ વર્ષમાં હોય, તેમને મારી વિનંતી છે કે એક વખત આ પુસ્તક જરૂર વાંચવું. તબીબી ક્ષેત્ર, કોલેજ લાઈફ, સંઘર્ષ, નિરાશા અને નિષ્ફળતાઓ વિશે એક અલગ જ outlook આપતું આ પુસ્તક છે. ડૉ શરદ ઠાકરની રસપ્રદ વાર્તા શૈલીમાં લખાયેલું આ પુસ્તક તમને 'બોર' નહીં કરે, તેની ગેરંટી મારી. મે સ્વયં રાત્રે ઉજાગરા કરીને ૪ દિવસમાં પૂરું કર્યું એટલું interesting મને લાગ્યું હતું. તમને કેવું લાગશે? તે તો વાંચ્યા પછી જ ખબર પડે! તો ભલે તમારો મિત્ર કે પાર્ટનર આ પુસ્તક વાંચવા તૈયાર થાય કે નહિ, 'તું એકલો જાને રે' !
- by Palaash Barot
Third year, MBBS.
.jpeg)





Comments
Post a Comment